હેમંત ગામિત, તાપીઃ ઉકાઇ ડેમની બિલકુલ નજીક આવેલા સેરૂલા ગામે તાપી ફળિયામાં 45થી વધુ ઘરોમાં વસતા આદિવાસી પરિવારો હાલ ચોમાસામાં પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ ગણવામાં આવતો ઉકાઇ ડેમ નજીકના ગામમાં જ પાણીની સમસ્યા નિવારવામાં જાણે નિષ્ફળ પુરવાર થયો છે. ત્યારે ઉકાઇ ડેમની નજીક વસતા ગામોમાં ડેમ બન્યાના 50 વર્ષ બાદ પણ પાણીની સમસ્યા હલ થઈ શકી નથી ત્યારે અહીંના સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.
તાપીનો ઉકાઇ ડેમ કે જે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાય છે પરંતુ ડેમની બિલકુલ સામે વસતા સેરૂલા ગામમાં ડેમ બન્યાના વર્ષો વીત્યા બાદ પણ તંત્ર પાણીની સમસ્યા નિવારી શક્યું નથી. ડેમની સામે તાપી નદી તટે વસતા લોકો હજું પણ પાણી માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. હાલ પણ સેરૂલા ગામના આ તાપી ફળિયામાં હેન્ડપંપ બગડી જતાં છેક 1 કિમી દૂર તાપી નદીમાં પાણી લેવાં જવું પડી રહ્યું છે.
આ પણ વાંચોઃ
પોલીસ… તોડ કરતાં પહેલાં ચેતી જજો, ક્યાંક પોલીસ તમને પકડી ના લે!
સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલા આ ગામમાં ખાસ કરીને તાપી ફળિયામાં રહેતા ગરીબ આદિવાસી પરિવારો કે જેઓ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કાચા ઘરમાં વસવાટ કરે છે. રાજ્ય સરકારનાં વિકાસનાં અનેક દાવા વચ્ચે અહીં વિકાસ માત્ર નામ માત્રનો જોવા મળી રહ્યો છે.
તાપીમાં ઉકાઇ ડેમ બન્યાના 50 વર્ષ વીતવા છતાં ખાસ કરીને ઉકાઇ ડેમની નજીકના ગામોમાં પાણીની સમસ્યા હમેશાં અછત વર્તાય છે. ડેમની આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને ડેમના પાણીના માત્ર દર્શન કરવા મળે છે, પરંતુ ડેમના પાણીનો ઉપયોગ કરી શકતા નથી. ડેમની બિલકુલ સામે લોકો વસતા હોવા છતાં હાલ ચોમાસામાં પણ લોકોને પીવાના પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે.
ગિરનારના આહ્લલાદક દૃશ્યો
તાપીના આ સેરૂલા ગામમાં પણ ફક્ત પાણીની સમસ્યા હોય એવું નથી પરંતુ નવાઈની વાત તો એ છે કે, અહીં હાલ નાના ભૂલકાઓ માટે ભણવા માટે આંગણવાડી સુદ્ધા નથી તેમજ 1થી 5 ધોરણ સુધીના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પણ પ્રાથમિક શાળાનું મકાન જ નથી. જેને કારણે અહીં 1થી 5 ધોરણનું પ્રાથમિક શિક્ષણ પતરાવાળા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહ્યું છે. પ્રાથમિક શાળાના મકાન માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી શાળાનું મકાન બનાવવામાં તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાઈ નથી.
સોનગઢ તાલુકામાં તાપી નદી કિનારે આવેલા આ સેરૂલા ગામનો લીંબી જૂથ ગ્રામ પંચાયત સમાવેશ થાય છે અને ગામ સોનગઢ બોરદા રોડ પર આવેલું છે. જો કે, ગામનું તાપી ફળિયું ઉકાઇ ડેમની સામે વસવાટ કરે છે જ્યાં સુધી પહોંચવા માટે હજું પણ પાક્કા રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે અહીં ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. જેને કારણે સામે પાર જવા માટે હોડીનો પણ ઉપયોગ કરવો પડે છે. ત્યારે અહીં પાકા રસ્તાની માગ પણ હમેશાં ઉઠતી રહી છે જો કે, આજદિન સુધી આ ફળિયામાં પાકો રસ્તો લોકોએ જોયો નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર