મોરબી દરબારનાં કાંયાજીનાં કુંવર રવાજી માળીયા આવી વસ્યા. આ રવાજીના કુંવર નાથાજી ત્યાંથી ભચાઉ તાલુકાનાં વાંઢીયા ગામે ટીલાત તરીકે આવતાં વાંઢીયાનાં ઠાકોર તરીકે આવી વસ્યા. તેમને કોઈ સંતાન ન હતું. તેઓ ઘણી બધી આખડીઓ અને સંત મહાત્માનું શરણ લીધાં હતા.
જંગીમાં મહાત્મા મેકણ એક સિદ્ધિવાન ચમત્કારી મહાન સંત છે, તેની ખબર તેમનાં રાણીને પડતાં તેમણે ઠાકોર નાથાજીને કહ્યું કે, ‘આપણે મહાત્મા મેકણને શરણે જઈએ. તે વચનસિદ્ધ છે જો લહેરમાં આવી જશે તો આપણું વાંઝિયાપણું ટાળશે. તેમને શરણે જનારને આ મહાત્મા આર્શીવાદ આપતાં ગણાને ત્યાં પુત્ર ની પ્રાપ્તિ થઇ છે. તેથી આપણે મહાત્મા મેકણને શરણે જંગી જઈએ.
બીજે દિવસે નમતા પહોરે ઠાકોર અને તેમની રાણી જંગી આવે છે. રાણી સાહેબ વેલમાંબિરાજ્યા છે. સાથે બે દાસીઓ પણ છે. ઠાકોર નાથાજી પોતાનાં પંચકલ્યાણી ઘોડા પર બિરાજમાન છે. સાથે બે-ચાર બીજા સેવકો ઊંટ પર બેસી જંગી આવી રહ્યા છે. મહાત્મા મેકણનાં આસન પરની ઉંચી આમલીની ટોચે ફરકતી ધજા જોઈ ઠાકોર નાથાજી ઘોડા પરથી નીચે ઉતરી પડે છે, કારણ કે આજે તો આ મહાત્મા તારણહાર થવાના છે. તેમની ધજાને પણ મારા વંદન હો ! આવો હૃદય પૂર્વકનો ભક્તિ-પ્રેમ તેમના અંતર માં પ્રગટ્યો.
ઠાકોર નાથાજીનાં રાણી સાહેબા વેલમાંથી નીચે ઉતરી કાંટા-કાંકરાની ધરતીમાં કોમલ ખુલ્લે પગે આવી રહ્યા છે. સૂર્ય નાં ઉગ્ર તાપે શરીર પર પસીનો વહી રહ્યો છે. ઠાકોર અને રાણીને મન મહાત્મા મેકણનો આશ્રમ ઈશ્વરનું ઘર સમજી પોતાનો મન-મોભો ત્યજી ઓઝલ પડદો રાખતા નથી. પ્રેમ-ભક્તિ થી પગલાં ભરી મહાત્મા મેકણને આશ્રમે આવે છે.
સંત મેકણ મૃગછાલા પર બિરાજી ગાંજાની ચલમ પી રહ્યા છે. બાજુમાં બે-ચાર માણસો ઉગો, આશો વગેરે બેઠા છે. ત્યાં ‘જય જીનામ’ કરતાં ઠાકોર અને રાણી સાહેબા પધારે છે. ઠાકોર નાથાજી શ્રી-ફળ અને પ્રસાદનાં પળા સાથે ગાંજાનો પડીયો મહાત્માનાં ચરણોમાં મૂકી પ્રણામ કરે છે. રાણી સાહેબા પણ શ્રી-ફળ, પ્રસાદની ભેટ ધરી પ્રણામ કરી બેસે છે. થોડી ભક્તિ-ભાવની ચર્ચા કાર્ય બાદ સંત મેકણ પાસે રાણી સાહેબા આંખમાં આંસુ અને ગળગળા હૈયે વિનંતી કરે છે કે, ‘બાપુ, મને શેર-માટી (સંતાન) ની ખામી છે.’
મહાત્મા મેકણ રાણીમાં મોટી છે કે નમ્રતા છે તેની પરિક્ષા કરવા માટે કહે છે કે, ‘માં, શેર-માટી આમાં છે જોઈએ તો લઈલો.’ કહી સામે રોટલાનાં બટકા તરફ આંગળી બતાવે છે.
ચતુર રાણી તરત જ ઉભા થઇ રોટલાનાં બટકા મોમાં મુકવા માંડે છે. એક પછી એક બટકું રાણી મોમાં મુકે છે. મહાત્મા મેકણ કચ્છી ભાષામાં કહે છે. ‘બસ અભા બસ.(બસ બાપલા બસ) તમને નવ પુત્ર થશે. એટલે તે આ નાથાજીના નવ કહેવાશે. મોટો પુત્ર દેવે આપેલો સમજી તેનું નામ દેવોજી રાખજો. આ દેવાજીના દસ પુત્રો થશે. બસ. બાપલા શેર-માટી તમને ઈશ્વર કૃપાએ મળી જશે.’
આ હતાં ઉમદા આર્શીવાદ વચનસિદ્ધ મહાત્મા મેકણનાં.
ઈશ્વર કૃપાએ ઠાકોર નાથાજીનાં આ મહાન સુશીલ સદગુણી રાણીને પેટે નવ માસ અને દસ દિવસે કુંવરનો જન્મ થયો. નામ મહાત્મા મેકણની સુચના અનુસાર દેવાજી પાડવામાં આવ્યું.
ત્યારબાદ તે રાણીને ઉદરે ચાર વખતની પ્રસુતિ પ્રસંગે દરેક પ્રસવમાં બબ્બે પુત્રનો જન્મ થયો. આ રીતે કુલ્લે ઠાકોર નાથાજીને નવ પુત્રો થયાં. મોટાં કુમાર દેવાજીને ત્યાં દસ પુત્રો થયાં. આથી વાંઢીયા ઠાકોરનો વિસ્તાર વિશેષ ફેલાયો. તે આજે આ વિભાગમાં નાથાજીની અને દેવાજીની પાંખડીથી ઓળખાય છે.
આજે પણ આ કાયાંણી પરિવાર દાદાના દર્શને આવે છે અને જે તે સમયે વાંઢીયા ઠાકોર સાથે રૂબરૂ મુલાકાત માં જાણવા મળેલ કે જે તે સમયે દાદા શ્રી મેકણ નું જંગી ખાતે નું મંદિર પણ બંધાવી આપેલ.
ક્યાંય કોઈ ભૂલ રહી ગયેલ હોય તો ધ્યાન દોરવા વિનંતી