તળાવની પાળે ઘટાદાર વ્રુક્ષો શોભી રહ્યા છે. હરિયાળી વનરાજીમાં મોરલાં ટહુકી રહ્યાં છે. જાણે તેઓ મહાત્મા મેકણને આવકારી રહ્યાં છે. મહાત્મા મેકણ મધ્યાહન પહેલાં આવી પહોંચ્યા. આસન માટે ભૂમિકા નિહાળી અને જંગી ગામની પૂર્વની ભાગોળે એક આમલીનાં વ્રુક્ષ તળે ‘જય આશાપુરા’ ‘જય જીનામ’ નાં નાદથી ત્રિશુળની સ્થાપના કરે છે. તેમની સાથે કંથકોટથી ત્રણ સત્સંગી ભક્તો પણ આવ્યા છે.
સાથે આવેલા સેવકો કાવડને રાખવા માટે બાજુમાં બે સ્થંભ ઉભા કરી કાવડ તેના પર મુકે છે. જમીન સાફસૂફ કરી ગાયના છાણથી લીપણ કરી ધૂણો ચેતાવે છે. મહાત્મા ધૂણાની ભસ્મ શરીરે લગાવી ગામમાં કાવડ ફેરવવા જાય છે. ‘અલખ અલખ’ કરતાં કાવડ ફેરવે છે. સાથે આવેલ સેવકો આસનની આજુબાજુનાં ભાગમાં રેતી, પથ્થર એક બાજુ નાખી બરાબર સફાઈ કરે છે. અને આજુબાજુમાંથી ખીપડાનાં સંગેત્રા લઇ આવી છાપરૂં તૈયાર કરે છે. મહાત્મા મેકણ કાવડ ફેરવી આસન પર આવે છે. કાવડમાં લાવેલ રિદ્ધિ-લોટની રોટી પકાવી હરિહરની હાકલ કરી સેવકો સાથે ભોજન લે છે. રાત્રે ભજનભાવ કરે છે.
બીજે દિવસે તેમનાં સેવકો સુચના અનુસાર આસનની આસપાસ એક નાની ફૂલવાડી બનાવે છે. તેમાં ફૂલ-ઝાડ અને ગાંજા માટે બી (બીજ) નાખી પાણી પિવડાવે છે. આ સેવકો સાથે જંગી ગામનો આહીર આશો હળીમળી જાય છે. તે ચાલીસેકની ઉમરનો પ્રોઢ છે. કુટુંબમાં પોતે એકલો હોવાથી મહાત્મા મેકણને આસને રાત-દિવસ સમય પસાર કરે છે. ફૂલવાડીને પાણી પીવડાવવાનું કામ તે સ્વચ્છાએ કરે છે. કંથકોટથી સાથે આવેલ સેવકો કંથકોટ પાછા જાય છે. મહાત્મા મેકણ પોતાનાં ખટકર્મ અને ભક્તિમાં સમય પસાર કરે છે.