મહાત્મા મેકણે જંગી ગામે આયરોની સર્વ જ્ઞાતિને ગંગાજળની છાંટ નાખતાં લોડાઈ અને તેનાં વિસ્તારનાં ગામોની આયર જ્ઞાતિની સારી સુખાકારી થવાથી સર્વ આયરો આ દાદા મેકણનાં આર્શીવાદનાં પ્રતાપની પ્રશંસા કરી મહાત્માનાં ધૂણા પાસે છાપરું ઉમંગથી તૈયાર રહ્યાં છે.
વાગડનાં જંગી ગામથી તપસ્યા કરી લોડાઈ આવતાં મહાત્મા મેકણનાં દર્શન કરવાથી ઈચ્છા થતાં આ વિસ્તારનાં લોકો દર્શનાર્થે આવી રહ્યાં છે. તેમાં અર્જુન અને રાયમલ નીમનાં બે ભાવિકો પણ દર્શનાર્થે આવે છે. આ બંને સંસ્કારી અને સદાચારી માણસ પર મહાત્મા મેકણની દ્રષ્ટિ સ્થિર થાય છે.
અર્જુનનાં હાથમાં શ્રી-ફળ અને બગલમાં વાલ્મિકી રામાયણનું પુસ્તક છે. મહાત્મા ચરણે શ્રી-ફળ ધરી જીનામ પ્રણામ કરી વિનયથી બેસે છે. થોડી વારે મહાત્મા મેકણ અર્જુનને પ્રશ્ન પૂછે છે આ શાનું પુસ્તક છે ?
અર્જુને નમ્રતાથી કહ્યું, ‘બાપુ, આ વાલ્મિકી રામાયણ છે.’
સારું સારું કહી મહાત્મા અર્જુનને કહે છે : ‘વાંચો, આનંદ આવશે.’
અર્જુન તેનું વાંચન શરૂ કરે છે. તેમાં ક્યારેક અટપટાં (અઘરાં) વાક્યો, તેમજ તેનો સાર કરવામાં મૂંઝાઈ જતાં મહાત્મા પાસેથી તેનો ભાવાર્થ કરાવે છે. મહાત્માને આ રામાયણનાં કથામૃતમાં મઝા આવતાં તેઓ અર્જુનને દરરોજ આવવાનું જણાવે છે તેથી અર્જુનને તો જોઈતું હતું તે મળ્યું. તેને આવા જ્ઞાનેશ્વરીની જરૂર હતી. તેમનાં સત્સંગમાં આનંદ આવતો. અર્જુનની ઉમર પચીસેક વર્ષની હતી. તે મહેનતુ હોવાથી મહાત્માનાં આશ્રમની આજુબાજુ ફૂલ-ઝાડ તેમજ ગાંજાનાં છોડ વાવ્યા. તેનાં જોડીદાર રાયમલ પણ વીસેક વર્ષની ઉમરનો ખરો, તેને પણ રામાયણમાં રસ પડતો.
આ બંને ભાવિકની જોડી મહાત્માની સેવા કરે છે. તેમની ધૂણી માટે બળતણ લાવે, પાસેની નદીમાંથી પાણી પણ ભરી લાવે. ફૂલ-ઝાડની આજુબાજુ શાકભાજી પણ ઉગાડેલ.
મહાત્મા મેકણ દરરોજ સવારે કાવડ ફેરવવા લોડાઈ ગામમાં જાય. તેમાંથી આવેલ લોટનાં રોટલાં રાયમલ બનાવે. તે રોટલાંમાંથી સર્વ પ્રથમ ગૌગ્રાસ કાઢી, મહાત્મા, અર્જુન તથા રાયમલ અને અતિથિ મુસાફરો વગેરે સાથે બેસી હરિહર (ભોજન) કરે. તેથી આ સેવકો રાત-દિવસ અહીં જ રહે. દિવસે રામકથા અને રાત્રે ભજનભાવથી સરસ ભક્તિ થતાં લોડાઈ ગામ અને આસપાસનાં બીજા ગામોનાં માણસોની અવરજવર થવાં લાગી. રાત્રે ભજનભાવ પછી હંમેશાં મહાત્મા મેકણ સમાધિ લગાવી ધ્યાનમાં બેસે અને સેવક અર્જુન અને રાયમલ માળા ફેરવવાનું કરે.