લોડાઈ ગામની વસ્તી સર્વ બાઈ ભાઈ તથા આસપાસથી આવેલાં માણસોની મોટી મેદની દાદાને વળાવવા આવી રહી છે. દાદાશ્રી આ સર્વ સાથે લોડાઈ અને ધ્રંગ ગામનાં અર્ધે પંથે આવ્યા પછી ઉભા રહી કહે છે કે, ઘણા માણસો ઘરનાં જરૂરી કામકાજ મુકીને પણ અહીં આવ્યા હશો. માટે હવે અહીંથી સર્વ ઘર તરફ જાવ. ઈશ્વર તમારું કલ્યાણ કરે. પણ રહો, આ સ્થળે આપણે એકઠા થયા છીએ તેની યાદગીરી માટે દરેક જણ એક એક પથ્થર લઈને આ સ્થળે મુકો. કહી દાદો પણ ત્યાં એક પથ્થર ઉપાડીને મુકે છે અને કહે છે કે, અ સ્થળને આપણે યક્ષ દેવના થળા તરીકે માનશું. જેથી તે સ્થળ યક્ષદેવનાં સ્થાન તરીકે આજે પણ જાણીતું છે.
દાદાશ્રી યક્ષદેવનાં થળાની સ્થાપના કર્યા પછી ધ્રંગ ગામ તરફ ચાલ્યા ચાલતાં ચાલતાં ધ્રંગ ગામનાં પાદરમાં વીસ પચીસ ભાવિકો અને સંત માયાગરજી તથા માતાજી લીરબાઇ તથા અરજણ રાજા અને સેવાભાવી પ્રાણીઓ લાલિયો-મોતિયો સાથે આવી રહ્યાં છે.
દાદાશ્રી મેકણ ભક્ત મંડળી સાથે ચાલીને ધ્રંગ ગામને પાદરે આવી રહ્યા છે એની ખબર ધ્રંગ ગામનાં માણસોને મળતાં તે ગામનાં મુખ્ય આગેવાનો દાદાશ્રીનો સત્કાર કરવા માટે આબીલ-ગુલાલ, પુષ્પો અને દહીં નો ગોરસ લઇ રાસમંડળીરૂપે ગાજતેવાજતે સાથે જાય છે. દાદાશ્રી ધ્રંગ ગામની ભાગોળે પધારે છે. તરત જ તેમની સામે આવેલી આ સ્વાગત મંડળી દાદાને જીનામ પ્રણામ કરે છે અને પુષ્પવૃષ્ટિ તથા અબીલ ગુલાલની પણ વૃષ્ટિ કરે છે. આ દિવસે ધ્રંગ ગામનાં ટીલાત ખેંગારજી કોઈ જરૂરી કામસર ભૂજ ગયેલા હોવાથી, તેમની ગેરહાજરીનાં કારણે ટીલાતના માતૃશ્રી પ્રેમાબાઈ પોતે જે ભાવભીની ભક્તિથી ઓઝલ પડદાનો ત્યાગ કરી પાંચ સાત બહેનો સાથે દાદાનાં સત્કાર અર્થે આવે છે. તેઓએ આવી દાદાશ્રીને પ્રણામ કરી અરજ કરી કે, બાપુ, આજે અહીં જરૂર રોકાઈ જાવ. ભજનભાવ કરો. આ મારી નમ્ર વિનંતી છે. પણ દાદાશ્રી એ તે ધ્યાનમાં ન લેતાં કહ્યું કે, હજુ ઠંડો પહોર છે. માત્ર બે જ ગાઉની મુસાફરીમાં અહીં ન રોકાતાં બાપલા, અમે હજુ બે ત્રણ ગુનો પંથ કરીને જ કોઈ સ્થળે બપોરે આરામ કરીશું. આમ કહી દાદો ધીમે ધીમે પગલાં ભરી ચાલી રહ્યાં છે. દાદાશ્રી પ્રેમાબાઈના આગ્રહથી રોકાતા નથી જેથી ભાવનાશીલ બાશ્રી પ્રેમાબાઈએ દાદાને ઉતાવળે ઉતાવળે કહ્યું :
‘દાદા, તમે ધ્રંગ છોડી જાવ તો તમને રામ દુવાઈ છે.’
બાશ્રી પ્રેમાબાઈનાં આ શબ્દ સાંભળી દાદાનાં પગ થંભી ગયા, અને કહ્યું : આ તો તમે બહું કર્યું મારાથી હવે ધ્રંગ છોડી આગળ નહીં વધી શકાય. મને રામ દુવાઈના સોગન મળતાં મારે હવે અહીંજ જીવન વિતાવવું પડશે.
દાદાશ્રીના આ શબ્દો સાંભળતાં જ પ્રેમાબાઈના આનંદનો પાર ન રહ્યો, જેથી ભાવિકજનોને ખુબ જ આનંદ થયો. તેથી દાદાશ્રીને ધ્રંગ ગામનાં ચોરામાં ગાજતે વાજતે પધરામણું કરાવે છે. સૌ ઉત્સાહ અને આનંદમાં આવે છે. જેથી સ્વાગત મંડળી રાસભજનની રમઝટ લેતી ગામનાં ચોરા તરફ આવે છે. તેની પછવાડે દાદાશ્રી તથા તેમનું મંડળ ચાલતું આવે છે. અને તેમની પાછળ બાશ્રી પ્રેમાબાઈ તથા ગામની બહેનો સ્વાગત ગીત ગાતાં આવે છે :
દાદાશ્રી મેકણના આ પધરામણાં સમયે આનંદ વર્તાઈ રહ્યો છે. ગામનાં માણસો ચોરામાં બિછાનાંપાણી લાવે છે. દાદાશ્રી ચોરામાં બિરાજે છે કે તરત જ ગામનાં માણસો દહીનું ધોળવું દાદા અને લોડાઈથી સાથે આવેલાં સર્વ ભાવિકો પાસે સ્વાગતરૂપે રજુ કરે છે. પછી સર્વ અરસપરસ વાતો કરે છે કે, ‘ભલું થાય બાશ્રી પ્રેમાબાઈનો કે દાદાશ્રીને અહીં રોકાવાનું કર્યું. જેથી આપણને કાયમને માટે ભજનભાવનો આનંદ રહેશે.’
બપોર પછીનાં ભાગમાં દાદાશ્રીએ ધ્રંગ ગામમાં ક્યા સ્થળે ધૂણો સ્થાપિત કરી પ્રભુભજન કરવું તે માટે યોગ્ય સ્થળ નક્કી કરવા નીકળ્યાં. ફરતાં ફરતાં તેમણે ધ્રંગ ગામની ઉત્તર દિશાની જમીન નક્કી કરી. તે સમયે દાદાશ્રી સાથે ફરી રહેલાં ગામનાં આગેવાનો દાદાને કહે છે કે, બાપુ, આ સ્થળે તો અમને કોઈ કોઈ વખતે નવા નવા ચમત્કારો જોવા મળે છે. તેના જવાબમાં દાદાશ્રીએ આ આગેવાનોને કહ્યું : આ ભૂમિ ઘણી પવિત્ર છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે અસુર રાવણને માર્યો હતો, ત્યારે તેમને બ્રહ્મહત્યાનું પાતક લાગવાથી, તેનાં નિવારણ અર્થે તેઓશ્રી હિંગળાજમાતાની યાત્રાએ જતાં,ભગવાન રામચંદ્રજીએ અઢાર પદ સાથે અહીં પધારી પગ મુકેલ છે. જેથી આ ભૂમિ ઘણી જ પવિત્ર અને સરસ છે. એટલે જ તેસ્થાલે દેવ અને દાનવો આવતાં હશે. પણ હવે તમારે કોઈએ મારી પાસે આવવા મતે ભૂતપ્રેતનો ભય રાખવાનો જ નથી. પછી આ ભૂમિ નક્કી કરી દાદાશ્રી ગામનાં આગેવાનો સાથે ગામનાં ચોરે આવે છે.
ધ્રંગનાં ટીલાત ખેંગાજી ભુજથી આવી જતાં ગામની સર્વ વસ્તીને ચોરે એકથી કરે છે અને સેવાનો એક મત કરી કહે છે કે, આપણા ગામનાં સર્વ માણસોએ આવતી કાલે પાંખી પાડી દાદાશ્રી મેકણનો આશ્રમ બનાવવાં કામમાં લાગી જવું. અને દાદાનાં આશ્રમની સ્થાપનાં થતાં જ જેમ લોડાઈ ગામની વસ્તી દાદાનાં આશ્રમમાં ઘી, દૂધ, દહીં પહોંચતી કરતી હતી તેમ આપણે પણ સર્વ વસ્તુ પહોંચતી કરાવી. સહુએ આ ઠરાવ માન્ય રાખ્યો.
બીજે દિવસે વહેલી સવારથી જ સર્વ માણસો દાદાનો બનાવવાની પ્રવૃત્તિમાં લાગી ગયા. કોઈ પાવડા લઇ જમીન સાફ કરેછે, તો કોઈ કાંટાકાંકરા ખસેડી રહ્યા છે. કોઈ આશ્રમની દીવાલ માટે પથારા ગોઠવે છે. બે-ત્રણ કડિયા ભાઈઓ દાદાનાં ભંડાર-રસોડા માટે એક ઓરડો ચણી રહ્યાં છે. તે કાર્યમાં કોઈ ગારો, માટી, પથ્થર લાવી રહ્યા છે. ભાવિક સુથાર આ ઓરડા પર છાપરાં માટે વરોણ નાખવાની તૈયારી કરી રહ્યા છે. તેમજ કુંભાર લોકો પોતાનાં ગધેડાની છાંટમાં નળિયા લાવી રહ્યાં છે. કેટલાક લોકો ભોજન કરવાં ભાવિકોને બેસવા માટે મોટું છાપરું તૈયાર કરી તે પર ખપેડા, સંગેત્રા નાખી રહ્યા છે. આ રીતે સર્વની પ્રેમભાવનાથી આશ્રમ તૈયાર થઇ ગયો. પછી દાદાશ્રીએ નકકી કરેલ સ્થળે આંબલીના મોટાં વૃક્ષના થાળ પાસે ધૂણો તૈયાર કરી. માતાજી લીરબાઇ ત્યાં ગાયનાં છાણનું લીપન કરી આપ્યું. પછી દાદાશ્રી આ ધૂણામાં અગ્નિદેવને પધરાવી તે ધૂણાની બાજુમાં ત્રિશુળ બેસાડી જય આશાપુરાજીની મીઠાં ઉચ્ચારે બોલી રહ્યાં બાદ પોતાની પાસેની મૃગછાલા બિછાવી તે પર આસનધારી તરીકે બિરાજે છે.